શ્રી રામનાં ભજન અને દાયકો
રચનાની રીતે નહીં પણ લોકોના ટેપ/સીડી પ્લેયર અને હવે મોબાઇલમાં ગૂંજવાના પ્રમાણની રીતે જોઈએ તો દરેક દાયકામાં શ્રી રામનાં અલગ-અલગ ભજન લોકોના મુખે ચડી જતા હોય છે.
‘૮૦ના દાયકાથી શરૂ કરીએ તો લતા મંગેશકરના મધુર સ્વરમાં શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારુણમ્ લગભગ ઘરે-ઘરે સંભળાતાં હતાં. તેમના અવાજમાં ‘ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈજનિયા’ પણ આપણી સમક્ષ રામલલ્લાને તાદૃશ્ય કરી દેતું.
અનુપ જલોટાના ભજનની કેસેટો પણ ઘરે-ઘરે હતી જેમાં ‘મૈયા મોરી મૈં નહીં માખન ખાયો’, ‘ઐસી લાગી લગન’, ‘ચદરિયા ઝીની રે ઝીની’ સિવાય ‘જગ મેં સુંદર હૈ દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ’ ખૂબ સાંભળવા મળતું.
તે ઉપરાંત ‘રામાયણ’ ધારાવાહિકનાં ‘મંગલ ભવન અમંગલ હારી’ અને ‘હમ કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી, યે રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી’એ મન મોહી લીધાં હતાં.
નેવુંના દાયકામાં જગજીતસિંહે ગાયેલું અદ્ભુત ભજન ‘હે રામ હે રામ, તૂ હી માતા તૂ હી પિતા હૈ, તેરે ચરણોં મેં ચારો ધામ’ ખૂબ જ જનપ્રિય થયું હતું. આ ભજન લોકગાયક હેમંત ચૌહાણના સ્વરમાં પણ ખૂબ ચાલ્યું હતું. આ ઉપરાંત ‘તું રંગાઈ જા ને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધેશ્યામ તણા સત્સંગમાં’ ઘરે-ઘરે સંભળાતું હતું.
મારો એવો મત છે કે ૨૦૦૦થી ૨૦૨૦ એમ બે દાયકા શ્રી રામભજન વગર કોરા ગયા. અનેક ઘરમાં રામભજન સંભળાતાં હશે પણ અહીં વાત ઘરેઘરની છે. આ બે દાયકાઓમાં કૃષ્ણ ભજન ‘છોટી છોટી ગય્યા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ’ અને ‘અચ્યુતમ્ કેશવમ્ કૃષ્ણ દામોદરમૂ, કૌન કહતે હૈ ભગવાન આતે નહીં’ તેમજ ‘મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી’, ‘શ્રીકૃષ્ણ શરણમ્ મમ્’ એ શ્રી કૃષ્ણ ભજનમાં લોકોએ વધુ મન પરોવ્યું. મારા મતાનુસાર, કદાચ કારણ એ હતું કે લોકોને શ્રી રામમંદિર બનવાની આશા નિકટના ભવિષ્યમાં જણાતી નહોતી.
૨૦૨૦ના દાયકામાં તો ઓહોહો..કેટલાં ભજનો આવી ગયાં…’મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આયેંગે’ અને ‘મેરી ચૌખટ પે ચલ કે આજ, ચારો ધામ આયે હૈ’, ‘યુગ રામરાજ્ય કા આ ગયા’, ‘ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા’, આ ગીતો ગૂંજવા લાગ્યાં.
આનું કારણ અત્યારે તો શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા છે પણ ૨૦૧૯માં સર્વોચ્ચ માનનીયોના મનમાં રામ વસતાં ચુકાદો શ્રી રામલલ્લાની તરફેણમાં આવ્યો અને ૨૦૨૦માં કોરોના આવ્યો, લોકોને અનિવાર્ય રીતે ઘરે રહેવું પડયું ને ‘૮૦નો દાયકો ફરી જીવંત થયો. લોકોએ દૂરદર્શન પર પુનઃ પ્રસારિત રામાનંદ સાગરવાળું ‘રામાયણ’ ધારાવાહિક જોયું ને યુટ્યૂબ તેમજ ફેસબુક/વૉટ્સઍપનો મંચ મળતા નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકો પુન: ‘હમ કથા સુનાતે રામ સકલ ગુણધામ’ કી ગાવા લાગ્યા.
આ બધાં ભજનોની પોતાની વિશેષતા છે, કોઈને બીજાથી ચડિયાતું કહી શકાય નહીં. પણ ‘મેરી ઝોંપડી કે ભાગ’ અને ‘મેરી ચૌખટ પે ચલ કે આજ’ આજે લોકોને વધુ ગમી રહ્યાં છે તેનું કારણ ? ઉપરોક્ત બીજાં ભજનો એ શ્રી રામની સ્તુતિ છે, કાં સાંભળનારને પ્રેરણા અપાય છે કે તું સીતારામ અથવા રાધેશયામના રંગમાં રંગાઈ જા.
પણ ‘મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાયેંગે’ એ વ્યક્તિને એવું લાગે છે કે તે જાણે શબરી છે અને તેના ઘરે જ સાક્ષાત્ ભગવાન રામ આવી રહ્યા છે. તે એમના સ્વાગતમાં રંગોળી બનાવશે અને દીપ પ્રજ્વલિત કરશે. ઢોલ વગડાવશે. પોતાનાં આંસુથી પ્રભુ શ્રી રામનાં ચરણ ધોશે. રામને હીંચકો નાખશે, માખણ-મિસરી જમાડશે.
તો બોલિયે, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.
Join the conversation