કાશ્મીરમાં અબ્દુલ્લા ભાજપ સાથે હાથ મિલાવશે
નવીદિલ્હી: કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણીની સાથે જ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ યોજે એવા સંકેત મળી રહ્યા છે. ઉમર અને ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે ભાજપ લોકસભાની ચૂંટણીની સાથે જ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ યોજે તો ભાજપ સાથે હાથ મિલાવવાની તૈયારી બતાવી છે. કાશ્મીર ખીણમાં ભાજપને એક મજબૂત સાથીની જરૂર હોવાથી ભાજપે અબ્દુલ્લાની ઓફર ભાજપે સ્વીકારી લીધી છે. આ કારણે જ નેશનલ કોન્ફરન્સે ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયાને છોડીને એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.
સૂત્રોનું કહેવું છે કે, ભાજપ જમ્મુ અને કાશ્મીરમાં પોતાની સરકાર ઈચ્છે છે પણ કાશ્મીર ખીણમાં કોઈ જનાધાર નહીં હોવાથી તેના માટે પોતાની તાકાત પર સરકાર રચવી મુશ્કેલ છે. મહેબૂબા મુફતીથી ભાજપ દાઝેલો છે તેથી તેમની સાથે જોડાણ કરી શકે તેમ નથી. ભાજપે ગુલામનબી આઝાદને અજમાવ્યા પણ તેમનામાં દમ નથી એવું લાગતાં છેવટે હવે અબ્દુલ્લા પરિવારને પડખામાં લેવાશે.
ભાજપે ચોથો ઉમેદવાર ના ઉતારતાં કોંગ્રેસને રાહત
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચોથો ઉમેદવાર ના ઉતારતાં કોંગ્રેસને રાહત થઈ છે. આ સાથે કોગ્રેેસના ઉમેદવાર ચંદ્રકાન્ત હંડોરેની જીત પાકી થઈ ગઈ છે. અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતાં હવે છ બેઠકો માટે છ ઉમેદવારો જ મેદાનમાં રહેતાં ચૂંટણીની જરૂર નહીં પડે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અશોક ચવાણના જૂથના ૧૨ ધારાસભ્યો બળવો કરવાના મૂડમાં હોવાથી ભાજપ ચોથો ઉમેદવાર ઉતારીને કોંગ્રેેસને ભીંસમાં મૂકશે એવું મનાતું હતું પણ ભાજપે લોકસભાની ચૂંટણી સામે હોવાથી ચોથો ઉમેદવાર ઉભો રાખવાનું માંડી વાળ્યું છે. ચોથા ઉમેદવારને જીતાડવા માટે જરૂરી મતો મેળવવા બહુ મહેનત કરવી પડે તેમ હતી. આ ઉપરાંત રાજકીય દાવપેચના કરણે ભાજપની ઈમેજ પણ બગડે તેથી ભાજપે જોખમ ના લીધું. તેના કારણે હવે કોગ્રેસના હંડોરે ઉપરાંત ભાજપના અશોક ચવાણ, મેધા કુલકર્ણી અને ડો. અજીત ગોપછડે, અજીત પવારની એનસીપીના પ્રફુલ્લ પટેલ અને એકનાથ શિંદેની શિવસેનાના મિલિંદ દેવરાની જીત પાકી થઈ ગઈ છે.
રાજસ્થાનમાં ભાજપ ત્રણ મોટા કોંગ્રેેસીઓને તોડશે
રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓને તોડીને મોટો આંચકો આપવાની ફિરાકમાં છે. મહેન્દ્રજીતસિંહ માલવીય, લાલચંદ કટારિયા અને રિછપાલ મિર્ધાને તોડવાનો તખ્તો તૈયાર હોવાનો ભાજપનાં સૂત્રોનો દાવો છે.
આદિવાસી ધારાસભ્ય માલવીય કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય છે પણ વિધાનસભામાં વિપક્ષનું નેતાપદ ના અપાતાં નારાજ હોવાનું મનાય છે. સોનિય ગાંધીની રાજ્યસભામાં ઉમેદવારી વખતે માલવીય હાજર નહોતા રહ્યા. ગેહલોતની અત્યંત નજીક મનાતા માલવીયના કારણે આદિવાસી મતોનો મોટો ફાયદો મેળવવાની ભાજપની ગણતરી છે.
લાલચંદ કટારિયા ગેહલોત સરકારમાં બે વાર મંત્રી રહી ચૂક્યા છે અને જયપુર લોકસભા બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેેસે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ના આપતાં કટારિયા નારાજ છે. રિછપાલ મિર્ઘાના પુત્ર વિજયને કોંગ્રેસે ટિકિટ આપેલી પણ કોંગ્રેસના નેતાઓએ જ તેમને હરાવી દેતાં એ બગડેલા છે. ભાજપ માલવીયને બાંસવાડા અને કટારિયાને જયપુર ગ્રામીણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવે એવી શક્યતા છે.
મિમિને મનાવવા ખુદ મમતા બેનરજી મેદાનમાં
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી મિમિ ચક્રવર્તીએ તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતાં મમતા બેનરજીને મોટો ફટકો પડયો છે. જાદવપુર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલી મિમિએ પોતાના પર તૃણમૂલના નેતાઓએ માનિસક અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મિમિએ રાજકારણમાં પોતાનું કામ નથી એવો દાવો કરીને પોતે રાજકારણ છોડી દેશે એવું કહ્યું છે પણ સૂત્રોનું કહેવું છે કે, મિમિ ભાજપમાં જોડાવાની છે. આ પહેલાં બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રુદ્રાણી ઘોષ, યશ દાસગુપ્તા અને સ્રબન્તી ચેટરજી ભાજપમાં જોડાયાં છે.
મમતાએ મિમિનું રાજીનામું હજુ સ્વીકાર્યું નથી એ જોતાં મમતા મિમિને મનાવી લેશે એવો વિશ્વાસ તૃણમૂલ કોંગ્રેસના નેતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તૃણમૂલ કોંગ્રેેસ છોડીને ભાજપમાં ગયેલા દિગ્ગજ નેતાઓના શું હાલ થયા છે એ સૌની નજર સામે જ છે તેથી મિમિ એવી મૂર્ખામી નહીં કરે.
રાહુલે વચન આપ્યું છતાં મીનાક્ષીને ટિકિટ નહીં
મધ્ય પ્રદેશમાં રાહુલ ગાંધીની અત્યંત નજીક મનાતાં મીનાક્ષી નટરાજન કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે એવી અટકળો ચાલી રહી છે. મીનાક્ષી ૨૦૦૯માં મંદસૌર બેઠક પરથી જીતીને લોકસભાનાં સભ્ય બન્યાં હતાં પણ પછી સળંગ બે વાર હાર્યાં છે. અલબત્ત રાહુલની નજીક હોવાથી રાહુલે તેમને રાજ્યસભામાં મોકલવાનું વચન આપેલું પણ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અંતે અશોકસિંહની પસંદગી કરાતાં મીનાક્ષી નારાજ છે.
અશોકસિંહ દિગ્વિજયસિંહની નજીક મનાય છે અને ચંબલ-ગ્વાલિયર ક્ષેત્રમાં મહત્વના નેતા મનાય છે. જો કે સિંહ પણ ગ્વાલિયર બેઠક પરથી સળંગ ચાર વાર લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે પણ ઓબીસી મતદારોને ખુશ રાખવા માટે તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવાયો છે.
કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, મીનાક્ષી ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેેસની લહેરમાં જીતી ગયેલાં પણ તેમનો કોઈ જનાધાર નથી. અશોકસિંહ જીત્યા નથી પણ ચંબલ-ગ્વાલિયર ક્ષેત્રમાં કોંગ્રેસને ફરી બેઠી થવામાં મદદ કરી શકે છે.
કર્ણાટકમાં કોંગ્રેસનું ક્રિશ્ચિયન-મુસ્લિમ કાર્ડ
કર્ણાટકની કોંગ્રેેસ સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુસ્લિમ-ખ્રિસ્તી કાર્ડ ખેલી નાંખ્યું છે. સિધ્ધરામૈયા સરકારે પોતાના બજેટમાં વકફ સંપત્તિઓ માટે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જ્યારે ખ્રિસ્તી સમુદાય માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવી દીધા છે. કર્ણાટકના ઈતિહાસમાં પહેલી વાર ખ્રિસ્તી સમુદાય માટે આટલી મોટી રકમ ફાળવાઈ છે.
કર્ણાટકની વસતીમાં ખ્રિસ્તીઓનું પ્રમાણ બે ટકાથી પણ ઓછું છે પણ ખ્રિસ્તી વસતી ત્રણ લોકસભા બેઠકનાં પરિણામો પર અસર પાડી શકે છે. બિદર, ઉત્તક કન્નડ, દક્ષિણ કન્નડ અને ઉડુપી એ ચાર જિલ્લા ઉપરાંત બેંગલોર શહેરમાં પણ ખ્રિસ્તી વસતી વધારે છે. કર્ણાટકમાં મુસ્લિમો ૧૩ ટકાની આસપાસ છે પણ એ પરંપરાગત રીતે કોંગ્રેસ તરફ જ રહે છે જ્યારે ખ્રિસ્તી મતદારો મુસ્લિમો તરફના વિરોધના કારણે લાંબા સમયથી ભાજપ તરફ ઢળેલા છે તેથી કોંગ્રેસે તેમને પોતાની તરફ ખેંચવાનું નક્કી કર્યું છે.
***
સંઘને વિવાદમાં ઢસેડનાર મમતાની ઝાટકણી
ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં થયેલી હિંસા પાછળ આરએસએસનો હાથ નિહાળનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની ઝાટકણી કાઢતા કહ્યું કે એક મહિલા મુખ્યમંત્રી આવો આક્ષેપ કરી રહ્યાં છે એ એમના માટે શરમરૂપ છે. મમતાજી, તમે આટલા કદરૂપા, આટલાં હિંસક અને આટલાં મહિલાવિરોધી કેમ બન્યાં છો? જો ભાજપે આવી ટિપ્પણી કરી હોત તો મોટો હોબાળો મચાવાયો હોત આને કહેવાય શરમજનક બેવડા ધોરણો, એમ પ્રસાદે કહ્યું.
પ્રિયંકા રાયબરેલીમાંથી ચૂંટણી લડી શકે
પ્રિયંકા ગાંધી વાડરા આ વખતે એમના માતાની રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઝૂકાવે એવી પાકી ધારણા છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી (૭૭) એ રાજસ્થાનની રાજયસભા બેઠક માટે ઉમેદવારીપત્ર ભર્યુ એના બીજા દિવસે ગુરુવારે રાયબરેલીના મતદારો જોગ પાઠવેલા સંદેશામાં જણાવ્યું કે પોતે આરોગ્ય તથા ઉંમરના લીધે આગામી લોકસભા ચૂંટણી લડશે નહિં. એમણે રાયબરેલીમાંથી એમનું કોઇક કુટુંબીજન ચૂંટણીમાં ઝૂકાવે એવી શકયતાનો ઇશારો પણ કર્યો.
ભાજપે ૨૦૧૮ થી ૫૪.૮ ટકા ચૂંટણી-બોન્ડ વટાવ્યા
રાજકીય પક્ષોએ દેશના ચૂંટણી પંચને પૂરી પાડેલી માહિતી તથા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ તબક્કાવાર સંકલિત કરેલી વિગતો અનુસાર માર્ચ, ૨૦૧૮ અને માર્ચ, ૨૦૨૩ વચ્ચેના સમયગાળાના ૨૫ તબક્કાઓમાં ૧૧,૯૮૪.૯૧ કરોડના ચૂંટણી બોન્ડને વટાવાયા, જે પૈકી ૫૪.૮ ટકા અથવા ૬૫૬૬.૧૨ કરોડ રૂપિયા ભાજપને મળ્યા. ચૂંટણી વર્ષોમાં અપેક્ષાકૃત જ વધુ પ્રવૃત્તિઓ થતી રહેતી હોય છે.
- ઇન્દર સાહની
Join the conversation