we are also available and verified on Google News. Follow us on Google News.

મોદીજીનું ત્રીજી વાર સત્તામાં પુનરાગમન દેખાય છે એટલું સરળ નહીં હોય

તરફી-વિરોધી બધા જ મોદી સરકાર ‘અબ કી બાર, ૪૦૦ કે પાર’નું ભવિષ્ય તો ભાખી રહ્યા છે પણ તાજેતરમાં ઘટેલા કેટલાક ઘટનાક્રમો અને વૈશ્વિક પ્રવાહોને જોતાં, આ દેખ

 પેટા મથાળું: તરફી-વિરોધી બધા જ મોદી સરકાર ‘અબ કી બાર, ૪૦૦ કે પાર’નું ભવિષ્ય તો ભાખી રહ્યા છે પણ તાજેતરમાં ઘટેલા કેટલાક ઘટનાક્રમો અને વૈશ્વિક પ્રવાહોને જોતાં, આ દેખાય છે એટલું સરળ નહીં હોય.

સંસદનાં બંને ગૃહોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કૉંગ્રેસ પર આક્રમક પ્રહારોથી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. વડા પ્રધાન મોદી પોતાનાં ભાષણો કરતા પહેલાં ગૃહ કાર્ય બરાબર કરતા હોય છે. આ ગૃહ કાર્યના આધારે તેઓ કૉંગ્રેસની દુખતી નસ દબાવવાની એક પણ તક છોડતા નથી.

લોકસભામાં બોલતી વખતે તેમણે દેશની અંગ્રેજોએ આપેલી સ્વતંત્રતા પછીના પ્રથમ (ખરેખર તો સ્વતંત્રતા અંગ્રેજો પાસેથી બળપૂર્વક આંશિક લઈ લીધી તેમ ગણીએ તો સુભાષચંદ્ર બોઝ પ્રથમ વડા પ્રધાન ગણાય) વડા પ્રધાન નહેરુ ભારતીયોને આળસુ માનતા હતા અને અમેરિકી-યુરોપીય લોકોને કઠોર પરિશ્રમ કરનારા આવું કહી કૉંગ્રેસનો નહેરુ-ગાંધી પરિવાર ભારતીયોની શક્તિમાં ઓછો વિશ્વાસ રાખતો હતો તેમ પ્રહાર કર્યો. મોંઘવારીને પોતાની સરકાર એક આંકડામાં રાખવામાં સફળ નિવડી છે તેમ કહી નહેરુએ દર દસ વર્ષે પોતાની સરકાર મોંઘવારીને નાથવામાં નિષ્ફળ રહી છે તેમજ ઈન્દિરાજીએ પણ આવું જ કહ્યું હતું તેમ શબ્દ બાણ છોડ્યા. રાજીવ ગાંધીએ તેમના શાસનમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક હોવાનું સ્વીકારતા કહ્યું હતું કે એક રૂપિયો કેન્દ્ર સરકાર મોકલે છે તેમાંથી જનતાને માત્ર પંદર પૈસા મળે છે. આ વાત ભાજપ માટે કૉંગ્રેસ પર પ્રહાર કરવાનું અમોઘ શસ્ત્ર બની ગઈ છે. વડા પ્રધાન મોદી પણ આ શસ્ત્ર વાપરવાનું ભૂલ્યા નહીં.


કૉંગ્રેસની બીજી દુખતી નસ રાહુલ ગાંધી છે. તેમનું નામ લીધા વગર તેમને યુવરાજ કહીને વડા પ્રધાન મોદી વ્યંગ બાણ સામેની પાટલી તરફ છોડે છે પણ એ બાણ ‘વેલકમ’માં આરડીએક્સ (ફિરોઝ ખાન)ની બંદૂકની ગોળી જેમ એક દિશામાં ફૂટે તે ફંટાઈને બીજી દિશામાં તેના દીકરાને વીંધી ગઈ તેમ મોદીના વ્યંગ બાણ રાહુલને બરાબર કાળજે વાગે છે. મોદીજીએ કહ્યું કે યુવરાજને કૉંગ્રેસે વારંવાર લૉન્ચ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ સ્ટાર્ટ અપ ન તો લૉન્ચ થાય છે, ન તો લિફ્ટ.


રાજ્યસભામાં બોલતા વડા પ્રધાન મોદી નહેરુજીનો એ પત્રનો સંદર્ભ લઈ આવ્યા જેમાં તેમણે (નહેરુજીએ) મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે તેઓ અનામતના વિરોધી છે. ખાસ તો નોકરીમાં અનામતના. અકુશળતાને ઉત્તેજન આપે તેવા કોઈ પણ પગલાંના તેઓ વિરોધી છે. નોકરીમાં અનામત મળી તો સરકારી કામકાજનું સ્તર નબળું પડી જશે.


વડા પ્રધાન મોદીએ નહેરુની આ વાતને આધાર બનાવી કહ્યું કે નહેરુએ કાશ્મીર બાબત પોતાની પાસે રાખી હતી. તેથી જ કલમ ૩૭૦ને આગળ કરીને જમ્મુ-કાશ્મીરમાં દલિતો, આદિવાસીઓને અનામતથી વંચિત રાખ્યા અને અમે કલમ ૩૭૦ નિરસ્ત કરી દલિતો-આદિવાસીઓને અનામતનો લાભ આપ્યો.

નહેરુ અનામતના વિરોધી હતા તે વાત હજુ સુધી દબાવી રાખવામાં આવી હતી અને કૉંગ્રેસે પોતાની છબિ દલિતો-આદિવાસીઓ તરફી રાખી હતી. આ જ કારણ છે જેના લીધે કૉંગ્રેસ ૬૦ વર્ષ સુધી સત્તામાં રહી શકી. સામા પક્ષે ભાજપની હિન્દુત્વની છબિના લીધે કૉંગ્રેસ અને મીડિયા સહિતની તેની ઇકૉ સિસ્ટમે ભાજપને સવર્ણોનો પક્ષ એવી છબિ જનમાનસમાં બનાવી દીધી હતી અને સવર્ણો તથા દલિતો-આદિવાસીઓનો એક વર્ગ આ માનતો પણ થઈ ગયો હતો.


પરંતુ અટલ-અડવાણીના ઉત્તરાર્ધમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવના સપ ગુંડાઓથી માંડમાંડ બચેલાં માયાવતી (જેમનો પક્ષ બસપ શરૂઆતમાં બ્રાહ્મણ, ક્ષત્રિયો અને વાણિયાઓનો ઘોર વિરોધી હતો અને તિલક, તરાજુ ઔર તલવાર, ઇનકો મારો જૂતે ચાર આવું સૂત્ર કહેતો હતો)ને સમર્થન આપી મુખ્ય પ્રધાન બનાવી પક્ષની છબિને બદલી નાખી. તે પછી ભાજપ નીત રા જ.ગ. (એનડીએ) સત્તામાં આવી શક્યો અને ધીમેધીમે દલિતો-આદિવાસીઓ ભાજપ તરફ વળવા લાગ્યા.


મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી અને વડા પ્રધાન બન્યા પછી વિશેષ રીતે, અનેક પ્રયાસો દ્વારા દલિતો-આદિવાસીઓને ભાજપ તરફ વાળ્યા. સર્વોચ્ચ ન્યાયાલયે એટ્રૉસિટી કાયદા અંગે આપેલા ચુકાદાને વડા પ્રધાન મોદીએ રાજીવ ગાંધીના શાહબાનો કેસમાં વલણની જેમ સંસદમાં ખરડા દ્વારા પલટાવી દીધો. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિ સાથે જોડાયેલાં પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવાં શરૂ કર્યા. ઓબીસી આયોગને વૈધાનિક દરજ્જો આપ્યો. આદિવાસી બિરસા મુંડાના જન્મદિનને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવા જાહેરાત કરી. બિરસા મુંડા યુનિવર્સિટી, આદિવાસી નેતા ગોવિંદ ગુરુના નામ પરથી યુનિવર્સિટી બનાવી. પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા.


આ ઉપરાંત ભાજપ હિન્દુવાદી હોવાથી અને હિન્દુવાદી તો પિતૃસત્તાક સમાજમાં માને છે તેવી લેફ્ટ લિબરલોએ ઠસાવી દીધેલી ખોટી માન્યતાના કારણે ભાજપ પણ પિતૃસત્તાક છે અને એટલે સ્ત્રીવિરોધી છે તેવું કૉંગ્રેસે વર્ષોથી ઠસાવેલું પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વખતથી સ્ત્રી મતદારોનું મહત્ત્વ જાણી લીધું હતું. કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી બળાત્કારનો કાયદો વધુ કડક બનાવી તેમજ જે ખરડો કૉંગ્રેસ પસાર નહોતી કરાવી શકી તે મહિલા અનામત ખરડો પસાર કરાવી મહિલાઓનાં મન જીતી લીધાં. સેનામાં પણ મહિલાઓને કમાન્ડ સોંપ્યો.


આ જ કારણ છે કે ગત વર્ષના ઉત્તરાર્ધમાં થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં દલિત-આદિવાસીઓ અને મહિલાઓના ખોબલે-ખોબલે મત મળ્યા.


બીજી તરફ, કૉંગ્રેસની પડખે એવા પક્ષો છે જે મહિલા વિરોધી મનાય છે, ખાસ તો મુલાયમનો સપ અને લાલુપ્રસાદ યાદવનો રાજદ. મુલાયમ તો બળાત્કારીઓના બચાવમાં એવું બોલેલા કે બચ્ચો સે ગલતી હો જાતી હૈ. મુલાયમ-લાલુના પક્ષે સંસદમાં મહિલા અનામત ખરડાનો વિરોધ કરે રાખી ૨૭ વર્ષ સુધી લટકાવી દીધું હતું. આ વાત પણ આ પક્ષોના લીધે કૉંગ્રેસ વિરુદ્ધ જાય છે.


મોદીએ સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકર, પ્રણવ મુખર્જી, સીતારામ કેસરીને કૉંગ્રેસે અન્યાય કર્યો હતો તે તથ્યને ચગાવી આ જનનાયકોને ભાજપની મૂડી બનાવી દીધા. અધૂરામાં પૂરું, વંચિતો અને પછાતો માટે રાજનીતિ કરનાર, હિન્દી ભાષાના આગ્રહી, સમાજવાદી, પ્રમાણિક એવા બિહારના કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપી સમાજવાદીઓ પાસેથી આ નેતા પણ છિનવી લીધા. મોદી અનેક જગ્યાએ સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયા, જે કર્પૂરી ઠાકુરના ગુરુ હતા અને કૉંગ્રેસ વિરોધી રાજનીતિના પુરસ્કર્તાને પણ અવારનવાર ટાંકતા હોય છે.


આ પણ કારણ છે કે નીતીશકુમારને લોકસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપ તરફ પાછા વળવું પડ્યું છે.

રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ જ્યાં-જ્યાં ગયા ત્યાં-ત્યાં કૉંગ્રેસને ઝાટકા મળ્યા. બિહાર ગયા તો નીતીશકુમાર ઇણ્ડિ ગઠબંધનમાંથી નીકળી ગયા, પશ્ચિમ બંગાળ ગયા તો મમતા બેનર્જીએ એકલા ચૂંટણી લડવા જાહેરાત કરી દીધી, ઉત્તર પ્રદેશ પહોંચ્યા તે વખતે જ ઇણ્ડિ ગઠબંધનના રાષ્ટ્રીય લોક દળના જયંત ચૌધરી ભાજપ સાથે વાટાઘાટ કરવા પહોંચી ગયા. ગુજરાતમાં તો સી. જે. ચાવડા જેવા નખશીખ કૉંગ્રેસીએ કૉંગ્રેસ છોડી. આ જ સમયે પ્રણવ મુખર્જીનાં દીકરી શર્મિષ્ઠા મુખર્જી જે ઈ.સ. ૨૦૨૧ સુધી કૉંગ્રેસમાં હતાં તેઓ પણ અત્યારે કૉંગ્રેસના સર્વેસર્વા ગાંધી પરિવાર પર પ્રહારો કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં શરદ પવારના રા.કૉં.પ.ની ઘડિયાળના કાંટા અજિત પવાર સાથે નીકળી ગયા અને તે પહેલાં શિવ સેનાના સાચા વાઘ એકનાથ શિંદે સાબિત થયા. હવે આંધ્ર પ્રદેશ-તેલંગણામાં પુનરાખમન માટે ચંદ્રબાબુ નાયડુ પણ રા જ.ગ.માં આવવા તૈયાર મનાય છે. કેરળમાં અભિનેતાઓ સુરેશ ગોપી, દેવન, કૃષ્ણકુમાર વગેરે ભાજપમાં જોડાયા છે તમિળ નાડુમાં સફળ અભિનેતા થલપતિ વિજયે તમિળગ વેત્રી કઝગમ પક્ષ બનાવ્યો છે જે ૨૦૨૪ની ચૂંટણી તો નથી લડવાનો પણ તેનાથી દ્રમુક, અન્નાદ્રમુકના નેતાઓનાં મોંઢાં વંકાયાં છે તે જોતાં અને ૧૫ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાતાં ભાજપને અગાઉની ચૂંટણી સાપેક્ષે નિશ્ચિત ફાયદો થશે.


ઝારખંડમાં ઝા.મુ.મો. નેતા અને મુખ્ય પ્રધાન હેમંત સોરેનની રાંચીમાં સેનાના પ્લૉટને ગેરકાયદે વેચવા અને ખરીદવા સહિતના કેસમાં ઇડીએ ધરપકડ કરી છે. નોકરી માટે જમીન કેસમાં લાલુ-તેજસ્વીની ઇડી દ્વારા પૂછપરછ થઈ રહી છે. પાંચ વાર તેડાં (સમન) છતાં દિલ્લી દારૂ નીતિ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ઇડી સમક્ષ ઉપસ્થિત થયા નથી. તેમની ધરપકડ પણ તોળાઈ રહી છે. બંગલાના નવીનીકરણના મુદ્દે સીબીઆઈ પણ કેજરીવાલ પાછળ છે અને ભાજપ દ્વારા આઆપના ધારાસભ્યોને તોડવા નાણાંના ખોટા પ્રસ્તાવના આક્ષેપો બદલ પણ કેજરીવાલ-આતિશી મારલેના પોલીસના રડારમાં છે. તેમના ખાસ સાથી સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સંજય સિંહ તો જેલમાં છે જ. આમ, કેજરીવાલ પણ બધી બાજુએથી ઘેરાયેલા છે.


કલમ ૩૭૦, રામમંદિર, ત્રિતલાક વિરોધી કાયદો, જેવા વૈચારિક મુદ્દા તો ભાજપ તરફે જ છે. અધૂરામાં પૂરું, ઉત્તરાખંડ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર થઈ જતાં ભાજપનો વધુ એક વૈચારિક મુદ્દો (વચન) પણ પૂર્ણતાના આરે છે. પાકિ. અધિકૃત કાશ્મીર અને બલોચિસ્તાનમાં સ્વતંત્રતા માટેની લડાઈએ જોર પકડ્યું છે. પાકિસ્તાન, કેનેડામાં ઇસ્લામિક ત્રાસવાદીઓ અને ખાલિસ્તાનીઓની ભેદી હત્યા થઈ રહી છે. અમેરિકા જેવા અભેદ્ય દેશમાં પણ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનો પણ પ્રયાસ થયો. આનો મોદી સરકાર તેની ટેવથી વિપરીત ગાઈવગાડીને જશ નથી લેતી (અને ન જ લેવાનો હોય) પણ ભારતીયો અને આખું વિશ્વ તેની પાછળ કઈ સરકારનું પીઠબળ છે તે સારી રીતે જાણે છે. ભારતનું મજબૂત અર્થતંત્ર અને સામા પક્ષે ચીનનું નબળું પડી રહેલું અર્થતંત્ર પણ ભારતીયો જુએ છે. જી-૨૦ના અધ્યક્ષ તરીકે મોદીજીએ વિશ્વના ટોચના ૨૦ દેશો પાસેથી મેળવેલી પ્રશંસા પણ ચૂંટણીમાં ભાજપના ફાયદામાં જ રહે.

તો શું ભાજપને ૪૦૦થી વધુ બેઠકો અપાવી મોદીજી રાજીવ ગાંધીનો વિક્રમ તોડશે ? મોદીજીને સૌથી મોટી પ્રતિમા (સ્ટેચ્યૂ ઑફ યૂનિટી), સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ (મોટેરા), સૌથી મોટો પક્ષ (ભાજપ), ગુજરાતમાં સૌથી વધુ બેઠકો (૧૫૬), વંદેમારતરમ્નું ગાન, વગેરે અનેક વિક્રમો તોડી પોતાનું, પોતાના પક્ષનું અને ભારતનું નામ અમર કરવાની ખૂબ ઇચ્છા દેખાય છે. તેથી આ વખતે રા.જ ગ. નહીં, ભાજપ જ ‘અબ કી બાર, ૪૦૦ કે પાર’ કરી રાજીવ ગાંધીનો વિક્રમ તોડે તેવી પાકી સંભાવના દેખાઈ રહી છે.


પરંતુ આ દેખાય એટલું સરળ પણ નથી. અત્યારે કર્ણાટકના કૉંગ્રેસ નેતા ડી. કે. સુરેશકુમારે દક્ષિણનાં રાજ્યોને કેન્દ્ર તરફથી અન્યાયના કારણોસર અલગ દેશ માગવો પડશે તેવું નિવેદન કરી વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. પણ આ માત્ર નિવેદન છે તેમ માનવું ભૂલભરેલું છે. કર્ણાટક અને કેરળનાં મંત્રીમંડળો ‘સાઉથ ટૅક્સ મૂવમેન્ટ’ના સૂત્ર સાથે દિલ્લીમાં જંતરમંતર પર પ્રદર્શન કરવાનાં છે. આ વિરોધ પ્રદર્શનમાં પછીથી દ્રમુક શાસિત તમિળનાડુ અને કૉંગ્રેસ શાસિત તેલંગણા જોડાય અને ભાજપ સરકારનો દક્ષિણ રાજયોને અન્યાય તેવી બૂમરાણ મચાવી આ ચૂંટણીને ઉત્તર વિરુદ્ધ દક્ષિણનો મુદ્દો બનાવશે.

નોઇડા અને ગ્રેટર નોઇડાના ખેડૂતો આ લખાય છે ત્યારે ૮ ફેબ્રુઆરીએ ગુરુવારે વિરોધ પ્રદર્શન કરવાના છે.


બે વર્ષથી હિન્દુ તહેવારો પર મસ્જિદ પાસેથી પથ્થરમારાના બનાવો બની રહ્યા છે. જૂનાગઢમાં મુફ્તિ સલમાન અઝહરીએ ૩૧ જાન્યુઆરીએ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં મુસ્લિમોને ભડકાવ્યા હતા. તેમની મુંબઈમાં ધરપકડ કરવા ગુજરાત પોલીસ પહોંચી ત્યારે રાત્રે એક વાગે તેના હજારો સમર્થકોએ તેને છોડાવવા પોલીસ મથકને ઘેરી લીધું હતું. તેના સમર્થનમાં ઇત્તિહાદ એ મિલ્લત કાઉન્સિલ પક્ષના મૌલાના તૌકીર રઝા આવ્યા. (અપડેટ: આ મૌલાના તૌકીર રઝાની ઉશ્કેરણીથી ઉત્તર પ્રદેશમાં બરેલીમાં શુક્રવારની નમાજ પછી હિંસા થઈ તો ઉત્તરાખંડમાં રેલવેની ભૂમિ પર અવૈધ બનેલી મસ્જિદ અને મદરેસા ઉચ્ચ ન્યાયાલયના ચુકાદા પછી તોડી પડાતાં મુસ્લિમોએ ભારે હિંસા કરી હતી જેમાં છનાં મૃત્યુ થયાં.)

ભવ્ય શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાથી અસદુદ્દીન ઓવૈસી અને અન્ય કટ્ટર મુસ્લિમો, અયોધ્યામાં શ્રી રામમંદિરના બદલે અપાયેલી જમીન પર મસ્જિદ બની રહી હોવા છતાં, ભડકેલા છે અને મુસ્લિમોને ભડકાવવા પ્રયાસો ભરપૂર કરી રહ્યા છે. 


એમાં ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર થતાં તેમનો અસંતોષ વધ્યો છે કારણકે આના લીધે મુલ્લા-મૌલવીઓની સમાજ પર પકડ ઘટશે. મુસ્લિમ યુવતીની પણ લગ્ન માટે માસિકમાં બેસે તે નહીં પણ ૧૭ થશે, વાતવાતમાં તલાક બંધ થશે, એકથી વધુ પત્ની નહીં રાખી શકે, હલાલા પર પ્રતિબંધ આવશે, સંપત્તિમાં મહિલાઓને અધિકાર મળશે. આથી અત્યાર સુધી જે ‘ઘરની ધોરાજી’ ચલાવી મુસ્લિમ મહિલાઓનું શોષણ થતું હતું તે બંધ થતાં આ ઇસ્લામ પર આક્રમણ છે તેમ ભડકાવવાનો ભરપૂર પ્રયાસ થશે. ભાજપે સીએએ અને એનસીઆરનો ચુસ્ત ક્રિયાન્વયન માટે કહી દીધું છે અને મમતા બેનર્જી મુસ્લિમ મતો માટે તેની વિરુદ્ધ પ. બંગાળના મુસ્લિમોને ભડકાવી રહ્યા છે. શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા હતી તે જ દિવસે ૨૨ જાન્યુઆરીએ કોલકાતામાં ‘સર્વ પંથ સમભાવ રેલી’ કાઢી તેમાં ‘જો કાફિર હૈ વો ડરતે હૈ, જો લડતે હૈ વો જીતતે હૈ’ કહી હિન્દુઓને કાફિર ગણાવી તેમની વિરુદ્ધ લડવા મુસ્લિમોને ભડકાવ્યા હતા.


જનસંખ્યા નિયંત્રણનો કાયદો પણ મોદીજી ત્રીજી વાર સત્તામાં આવે તો નિશ્ચિત મનાય છે. તેના મુદ્દે કટ્ટરપંથીઓ અણસમજુ અને ઓછા ભણેલા મુસ્લિમોને ભડકાવી રહ્યા છે.


હિન્દુવાદી નેતાઓ માને છે કે ગમે ત્યારે દેશમાં કટ્ટરવાદી મુસ્લિમો ગૃહયુદ્ધ છેડી શકે છે. જો ચૂંટણી પહેલાં આ સ્થિતિ આવી પડશે તો ચૂંટણીમાં મોદી સરકાર માટે મોટો પડકાર સર્જાશે કારણકે નુપૂર શર્માએ માત્ર પુસ્તકની વાત ટાંકી તેમાં કુવૈત, કતાર, તુર્કી, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુએઇ વગેરે દેશો એક થઈ ગયા હતા. શ્રી રામમંદિર મુદ્દે પણ ઇસ્લામિક દેશોનું સંગઠન ઓઆઈસી બળાપો કાઢી રહ્યું છે. જો ગૃહયુદ્ધની સ્થિતિ આવે તો મોદી સરકાર પર આ દેશો જબરદસ્ત દબાણ લાવે.


ભારતની વ્યૂહાત્મક આવશ્યકતા છે તેથી બાઇડેન જેવા ડેમોક્રેટિક પણ વાસ્તવમાં ડાબેરી રાષ્ટ્ર પ્રમુખને ભલે મોદીજીના વખાણ કરવા પડતા હોય, પણ અંદરથી તો મોદી વિરોધી છે જ. એ સાથે અમેરિકાની નીતિ મુજબ, રિપબ્લિકનો અને સીઆઈએ વગેરે પણ એક સીમાથી વધુ ભારતની પ્રગતિ સાંખી શકે નહીં. ખાલિસ્તાન અને ભારતના ખેડૂત આંદોલનને સમર્થનના કારણે મોદી સરકારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને તેમનું સ્થાન બતાવી દીધું હોવાથી ટ્રુડો પણ સમસમેલા છે. આ ઉપરાંત અબજોપતિ જ્યૉર્જ સોરોસ તો પોતાને અનુકૂળ એવી સરકારો માટે બધા દેશોમાં દાન આપે જ છે. તેમની સાંઠગાંઠ રાજીવ ગાંધી ફાઉન્ડેશન સાથે હોવાના અહેવાલો પણ આવ્યા હતા. ચીન પણ મોદી સરકારની મજબૂત ચીન વિરોધી નીતિઓ (સેનાને છૂટો દોર, ચીનની કંપનીઓ અને ઍપ પર પ્રતિબંધ વગેરે), શ્રીલંકામાં ચીનને પછાડી અદાણી દ્વારા બંદરગાહ મેળવવું, માલદીવમાં ભારત વિરોધી નીતિ માટે ચીનનું પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુને સમર્થન પરંતુ તેની સામે ઉકળતો ચરુ, નેપાળ-બાંગ્લાદેશમાં પણ ચીનની કારી ન ફાવવી, આ બધાના લીધે ભારતમાં ચીનને પોતાને અનુકૂળ સરકાર જોઈએ છે.


ચીને ફેલાવેલા કૉરોના વાઇરસ અને તેમાં ખાસ તો બીજી લહેરમાં થયેલાં મૃત્યુ વખતે ટૂલકિટે અરાજકતા ફેલાવવા પ્રયાસ કર્યો પણ જનતા સમગ્ર વિશ્વની સ્થિતિ જાણતી હોવાથી અરાજકતા ફેલાઈ નહીં. પરંતુ તેનો અર્થ એ નથી કે હવે આ પ્રકારનું વિષાણુ યુદ્ધ નહીં ખેલાય.


ભારત વિરોધીઓ પાસે એક મોટું શસ્ત્ર સાઇબર હેકિંગનું છે. વિતેલાં થોડાં વર્ષોમાં સરકારની વેબસાઇટોથી માંડીને કુદનકુલમ પરમાણુ પ્લાન્ટ પર સાઇબર આક્રમણો થઈ ચૂક્યા છે.


યુપીઆઈથી ભારતમાં ડિજિટલ ક્રાંતિ અને તેના કારણે અર્થતંત્રને મોટો ફાયદો મળ્યો છે. આ ટૅક્નૉલૉજી વિશ્વમાં એક માત્ર ભારતમાં છે. આ ટૅક્નૉલૉજીનાં ગુણગાન પણ મોદીજીએ વિશ્વપટલ પર વિશ્વના નેતાઓ સમક્ષ ખૂબ ગાયાં છે. મોઢે ભલે બધા તેની પ્રશંસા કરે પણ અંદરથી આવી પ્રગતિ તો ઇર્ષા જ પમાડતી હોય. ૭ ફેબ્રુઆરીએ અનેક બૅંકોના અને તે સિવાય ખાનગી પેમેન્ટ યુપીઆઈ કામ ન કરતા હોવાની ફરિયાદ અનેક ગ્રાહકોએ કરી હતી. અચાનક સર્વર વ્યસ્ત કેમ થઈ ગયાં ? શું આ પણ સાઇબર આક્રમણનું પરિણામ હતું ?


ટૂંકમાં, ચૂંટણી પૂર્વે મોદી સરકારના વિજય રથને અટકાવવા અનેક પડકારો આવશે – ઊભા કરાશે. ત્રીજી વાર સત્તામાં પુનરાગમન દેખાય છે એટલું સરળ નહીં હોય.