બારામતીમાં સુપ્રિયા સામે ભાભી સુનેત્રા મેદાનમાં
નવીદિલ્હી:
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં અજીત પવાર અને શરદ પવારનાં જૂથ તો સામસામે ટકરાશે જ પણ પવાર ખાનદાનનાં લોકો પણ સામસામે ટકરાય એવી શક્યતા છે કેમ કે અજીત પવાર સુપ્રિયા સૂલે સામે પોતાનાં પત્ની સુનેત્રાને મેદાનમાં ઉતારવા માગે છે. સુપ્રિયા શરદ પવારનો ગઢ મનાતી બારામતી બેઠક પરથી લોકસભામાં સળંગ ત્રણ વાર ચૂંટાયાં છે. બીજી તરફ સુનેત્રાએ બારામતીમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે.સુપ્રિયા અને અજીત વચ્ચે સારા સંબંધો હોવાથી અજીત સુપ્રિયા સામે ઉમેદવાર ઉભો નહીં રાખે એવું મનાતું હતું પણ અજીતે બારામતીનાં લોકોને કરેલી અપીલ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, અજીત જૂથ સુપ્રિયાને જીતવા દેવાના મૂડમાં નથી. અજીતે બારામતીના મતદારોને અપીલ કરી છે કે, આ વખતે અનુભવી લોકોનું સમર્થન ધરાવતા નવા જ ઉમેદવારને જીતાડજો.
રેવંતની ભાજપ ફોર્મ્યુલા, અલ્લુના સસરાને લઈ આવ્યા
તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ભાજપની સ્ટ્રેેટેજી અપનાવીને ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ને ખાલી કરવા માંડી છે. લોકસભાની ચૂંટણીમાં તેલંગણાની તમામ ૧૭ બેઠકો જીતવાનું ટાર્ગેટ રાખીને રેવંત રેડ્ડી જીતી શકે એવા અથવા જીતવામાં મદદ કરી શકે એવા તમામ નેતાઓને બીઆરએસમાંથી કોંગ્રેસમાં લાવી રહ્યા છે.
રેવંત રેડ્ડીના ભરતી મેળાના છેલ્લા રાઉન્ડમાં તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના સસરા કંચરાલા ચંદ્રશેખર રેડ્ડી સહિત ટોચના દસથી વધારે દિગ્ગજ નેતા બીઆરએસ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રેડ્ડી ઉપરાંત સુનિતા રેડ્ડી, બાનોથ રામન નાઈક અને બોન્થુ રામમોહન કોંગ્રેસમાં જોડાયા છે. રામમોહન હૈદરાબાદ ગ્રેટર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રહી ચૂક્યા છે.
માયાવતી-પલ્લવી સાથે જોડાણની કોંગ્રેસની યોજના
સમાજવાદી પાર્ટીથી દૂર જઈ રહેલાં અપના દળ (કમેરાવાદી)નાં પલ્લવી પટેલ કોંગ્રેસની નજીક સરકી રહ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેેસ લોકસભાની ચૂંટણી માટે અખિલેશ યાદવને બદલે બસપા અને પલ્લવી પટેલ સાથે જોડાણ કરવાની દિશામાં આગળ વધી રહી છે.
મોદી સરકારમાં મંત્રી અનુપ્રિયા પટેલના બહેન પલ્લવી પટેલ વારાણસીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં હાજર રહેવાનાં છે. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ અને અપના દળ વચ્ચે જોડાણની ચર્ચા થશે એવો સૂત્રોનો દાવો છે. વિધાનસભાની ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી કેશ પ્રસાદ મૌર્યને હરાવનારાં પલ્લવીએ લોકસભામાં પાંચ બેઠકો માંગી હતી પણ અખિલેશે માત્ર બે બેઠકો આપવાની તૈયારી બતાવતાં નારાજ પલ્લવીએ રાજ્યસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મત નહીં આપવાની જાહેરાત કરી છે. પલ્લવી પોતાની બહેન અનુપ્રિયા સામે મિર્ઝાપુર બેઠક પરથી પોતે ઉભા રહેવાનાં છે. કોંગ્રેેસે પલ્લવીને સાત બેઠકો આપવાની તૈયારી બતાવી છે.
મમતાએ ચાર મહિને જેલવાસી મંત્રીને દૂર કર્યા
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ વન્ય મંત્રી જ્યોતિપ્રિય મલ્લિકને દૂર કરીને આશ્ચર્ય સર્જ્યું છે. ઈડીએ રેશન વિતરણમાં કરાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મલ્લિકની ધરપકડ કરી છે. મમતાએ મલ્લિકનાં મંત્રાલય બીજા મંત્રીઓને સોંપી દીધાં છે. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે, પાર્ટી ભ્રષ્ટાચાર મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે અને જરા પણ શંકાસ્પદ લાગે એવા લોકોને સરકારમાં રાખવા માગતી નથી તેથી મલ્લિકને દૂર કરાયા છે.
ભાજપના નેતા મમતાના પગલાને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કરાયેલું નાટક ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, મલ્લિકની ધરપકડ ઓક્ટોબરમાં કરાઈ હતી છતાં અત્યાર સુધી મમતાએ તેમને દૂર નહોતા કર્યા. મમતાની ભ્રષ્ટાચાર સામેની ઝીરો ટોલરન્સ પોલિસી ચાર મહિના સુધી ક્યાં જતી રહી હતી ?
જૂનાઓને ફરી મંત્રી બનાવતાં કોંગ્રેસમાં નારાજગી
ઝારખંડમાં ચંપઈ સોરેન સરકારે કરેલા મંત્રીમંડળ વિસ્તરણમાં મંત્રી નહીં બનાવાતાં ધારાસભ્ય બૈદ્યનાથ રામ ભડક્યા છે. રામનો દાવો છે કે, મંત્રીમંડળના વિસ્તરણમાં પોતાનું નામ હતું અને પોતાને કેબિનેટ મંત્રી બનાવવાનું નક્કી કરી દેવાયેલું પણ છેલ્લી ઘડીએ પોતાનું પત્તું કાપી નંખાયું. બૈદ્યનાથ રામે બગાવતી સૂર કાઢતાં એલાન કર્યું છે કે, આ અપમાન પોતે સહન નહીં કરે અને જરૂર પડશે તો વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ પણ ઉભા રહેશે. રામનો દાવો છે કે, કોંગ્રેેસના નેતાઓના દબાણ હેઠળ પોતાનું પત્તું કાપી નંખાયું છે.
સોરેન સરકારના વિસ્તરણના કારણે કોંગ્રેેસમા પણ નારાજગી છે. સોરેને મંત્રીમંડળના વિસ્તરણમાં સાત નવા મંત્રીઓનો સમાવેશ કર્યો છે. આલમગીર આલમ પહેલાં જ શપથ લઈ ચૂક્યા છે.
આ ઉપરાંત રામેશ્વર ઔરાંવ, બન્ના ગુપ્તા અને બાદલ પત્રલેખને મંત્રી બનાવાયા છે. આ ચારેય હેમંત સરકારમાં મંત્રી હતા. કોંગ્રેસ નવા લોકોને તક જ આપતી નથી એવા આક્ષેપ સાથે ધારાસભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.
Join the conversation